ચોથા ખામણા - ગણધરજી, આચાર્યજી ઉપાધ્યાયજીને |
ચોથા ખામણા ગણધરજી, આચાર્ય ઉપાધ્યાયને કરૂં છું. ગણધરજી બાવન ગુણે કરી સહિત છે. આચાર્યજી છત્રીસ ગુણે કરી સહિત છે. ઉપાધ્યાયજી પચ્ચીસ ગુણે કરી સહિત છે. મારા તમારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મઉપદેશના દાતાર, પંડિતરાજ, મુનિરાજ, મહાપુરુષ, ગીતાર્થ, બહુસુત્રી, સુત્ર સિધ્ધાંતના પારગામી, તરણતારણ, તારણી નાવ સમાન, સફરી જહાજ સમાન, રત્ન ચિંતામણી સમાન જિનશાસનના શણગાર, ધર્મના નાયક સંઘના મુખી, સંઘના નાયક આદિ અનેક ઉપમાએ કરી બિરાજમાન હતા. પૂજ્યશ્રી ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, મૌર્યપુત્ર, અકંપિતજી, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ આદિ ૧૧ ગણધર ભગવંતો. જંબુસ્વામી, પ્રભવસ્વામી, સ્વયંપ્રભસ્વામી, યુગભદ્રસ્વામી, સંભૂતિવિજયસ્વામી, ભદ્રબાહુસ્વામી, સ્થૂલિભદ્રસ્વામી, દેવર્ધિગણિ શ્રમાશ્રમણ આદિ પૂર્વધરો તથા ધર્મના શુદ્ધ સ્વરૂપને સમજાવનાર પૂજ્ય લવજીઋષી, ધર્મસિંહજી અને ધર્મદાસજી મહારાજ તથા તેની પાટાનુપાટે બિરાજમાન પૂજ્ય ડુંગરસિંહજી મહારાજ અજરામરજી મહારાજ આદિ મહાપુરુષો આલોવી પડિક્કમી નિંદી નિઃશલ્ય થઈને પ્રાયઃ દેવલોક પધાર્યા છે તેમનો ઘણો ઘણો ઉપકાર છે. આજે વર્તમાનકાળે, તરણ તારણ, તારણી નાવ સમાન, સફરી જહાજ સમાન, રત્નચિંતામણી સમાન જિનશાસનના શણગાર, ધર્મના નાયક, સંઘના મુખી, સંઘના નાયક આદિ અનેક ઉપમાએ કરી બિરાજમાન જે જે આચાર્ય ઉપાધ્યાયજીઓ વીતરાગ દેવની આજ્ઞામાં જ્યાં જ્યાં બિરાજતા હોય ત્યાં ત્યાં તેમને મારી તમારી સમય સમયની વંદના હોજો ! તે સ્વામી કેવા છે ? પંચ મહાવ્રતના પાલનહાર છે, પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ સહિત છકાયના પિયર, છકાયના નાથ, સાત ભયના ટાળનાર, આઠ મદના ગાલણહાર, નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનહાર, દશ વિધ યતિ ધર્મના અજવાળિક બાર ભેદે તપશ્ચર્યાના કરણાહાર, સત્તર ભેદે સંયમના ધરણહાર, બાવીસ પરિષહના જિંતણહાર, સત્તાવીશ સાધુજીના ગુણે કરી સહિત ૪૨-૪૭-૯૬ દોષ રહિત આહાર પાણીના લેનાર બાવન અણાચારના ટાળણહાર, સચેત્તના ત્યાગી, માયા મમતાના ત્યાગી સમતાના સાગર દયાના આગાર આદિ અનેક ગુણે કરી સહિત છે. ધન્ય સ્વામીનાથ આપ ગામ નગર પુર પાટણને વિષે વિચારો છે. અમે અપરાધી, દીનકિંકર ગુણહીન અહીં બેઠા છીએ. આજના દિવસ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર તપને વિષે જે કાંઈ અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ થયો હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભુજો ભુજો કરી ખમાવું છું. |
<< આ પહેલા હવે પછી >> |